
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા ઇનોવેશન, સંશોધન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને વધુ વેગ આપવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે ‘સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ ફોર ઇનોવેશન: પેટન્ટ એનાલિટિક્સ અને ફ્રીડમ ટુ ઓપરેટ (FTO)’ વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ અવસરે વિવિધ ક્ષેત્રોમાં નવીન વિચારો અને સંશોધન માટે કાર્યરત ઇનોવેટર્સને કુલ ₹87.34 લાખના ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇનોવેટર્સને મળેલ આ આર્થિક સહાય તેમના સંશોધન, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને કોમર્શિયલાઇઝેશન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST) હેઠળ કાર્યરત સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI) અને બાયોટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC)ના સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં DST, SVBIT તથા BIRACના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપરાંત મોટી સંખ્યામાં ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, સંશોધકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વર્કશોપ દરમિયાન નિષ્ણાતો દ્વારા ‘સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ’, ‘પેટન્ટ એનાલિટિક્સ’ અને ‘ફ્રીડમ ટુ ઓપરેટ (FTO)’ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોને તેમના ઇનોવેશનને કાયદેસર રીતે સુરક્ષિત રાખવા, પેટન્ટ સ્ટ્રેટેજી બનાવવી અને બજારમાં કોમર્શિયલાઇઝેશન કરતી વખતે આવતી પડકારો અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી.
મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ઇનોવેશન આધારિત વિકાસ માટે પ્રતિબદ્ધ છે. નવીન વિચારો, વૈજ્ઞાનિક સંશોધન અને સ્ટાર્ટઅપ્સ રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવી વર્કશોપ્સ દ્વારા યુવાનો અને ઇનોવેટર્સને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે સશક્ત બનાવવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમ ગુજરાતને ઇનોવેશન અને સ્ટાર્ટઅપ હબ તરીકે વિકસાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે. 🚀🔬





