
ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modiની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ વધુ 2 મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ બંને પ્રોજેક્ટ્સ ગુજરાતમાં સ્થાપિત થવાના છે અને કુલ મળીને આશરે ₹3,936 કરોડનું સંચિત રોકાણ આકર્ષશે.
મંજૂર થયેલા પ્રોજેક્ટ્સમાં દેશની પ્રથમ GaN (ગેલિયમ નાઈટ્રાઇડ) ટેક્નોલોજી આધારિત કોમર્શિયલ મિનિ/માઈક્રો-એલઈડી ડિસ્પ્લે ઉત્પાદન સુવિધા અને અદ્યતન સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી ગુજરાત દેશના હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રનું કેન્દ્ર બનવાની દિશામાં વધુ મજબૂત બનશે.
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનનો મુખ્ય હેતુ દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન, ડિઝાઇન અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનો છે. નવી મંજૂરીઓથી માત્ર ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતા જ નહીં, પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભાગીદારી પણ મજબૂત બનશે.
આ પ્રોજેક્ટ્સથી ગુજરાતમાં આશરે 2,230 કુશળ વ્યાવસાયિકો માટે સીધી અને પરોક્ષ રોજગારી સર્જાવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. ઇજનેરી, ઇલેક્ટ્રોનિક્સ, ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે યુવાનો માટે નવી તકો ઉભી થશે.
વિશેષજ્ઞોના મતે GaN ટેક્નોલોજી આધારિત મિનિ અને માઇક્રો-એલઈડી ડિસ્પ્લે ટેક્નોલોજી ભવિષ્યમાં સ્માર્ટફોન, ટેલિવિઝન, ઓટોમોટિવ ડિસ્પ્લે અને ડિફેન્સ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે. આવી અદ્યતન ટેક્નોલોજી માટેનું ઉત્પાદન ભારતમાં શરૂ થવું દેશ માટે ઐતિહાસિક માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ મંજૂર કરાયેલા 10 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ હાલ અમલીકરણના વિવિધ તબક્કામાં છે. હવે નવા પ્રોજેક્ટ્સના ઉમેરાથી ભારતનું સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ ગતિશીલ બનશે અને “મેક ઇન ઈન્ડિયા” અભિયાનને નવી ઊંચાઈ મળશે.





