
ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને અતૂટ આસ્થાના એક હજાર વર્ષોની વિરાસતને ઉજાગર કરતું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું. આ પર્વના અવસરે સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં શિવ આરાધનાના સ્વર, સૂર અને સંગીતથી સમગ્ર સોમનાથ શિવમય બની ગયું હતું.
સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં તેમજ આસપાસના વિસ્તારોમાં યોજાયેલા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ ભક્તોમાં આધ્યાત્મિક ઉત્સાહનો સંચાર કર્યો હતો. “હર હર મહાદેવ”ના જયઘોષ સાથે શિવભક્તિના ભજનો, સ્તોત્રો અને સંગીત પ્રસ્તુતિઓએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમોએ સોમનાથની ગૌરવશાળી પરંપરા અને સંસ્કૃતિક મૂલ્યોને જીવંત કર્યા હતા.
‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી નિમિત્તે સોમનાથના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને ધાર્મિક પરિસરોને વિશેષ રોશની અને આકર્ષક શણગારથી સજાવવામાં આવ્યા હતા. રંગબેરંગી લાઈટિંગ, દીપમાળા અને શિવ પ્રતીકોથી સમગ્ર નગર એક દિવ્ય લોકમાં પરિવર્તિત થઈ ગયું હતું. સાંજ પડતાં જ સોમનાથના માર્ગો પ્રકાશથી ઝળહળી ઉઠ્યા હતા, જે સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ પર્વ દરમિયાન દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા. શિવભક્તિ સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમો દ્વારા નવી પેઢીમાં પણ સનાતન ધર્મ પ્રત્યે આસ્થા અને ગૌરવની ભાવના મજબૂત બની હતી.
એક હજાર વર્ષોની અતૂટ આસ્થાને પ્રતિબિંબિત કરતું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ માત્ર એક ઉત્સવ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, શિવ આરાધના અને રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતિક બની રહ્યું હતું. સોમનાથ ફરી એકવાર ભક્તિ, સંસ્કૃતિ અને શિવચેતનાનું કેન્દ્ર બની ઊભર્યું હતું.





