
રાજ્યના પર્યટન નકશા પર ખાસ ઓળખ ધરાવતી સુરત નજીકની સુવાળી બીચ પર આયોજિત ત્રણ દિવસીય સુવાળી બીચ ફેસ્ટિવલે આ વર્ષે નવા કીર્તિમાન સ્થાપ્યા. રાજ્ય પર્યટન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્રની સંયુક્ત પહેલથી તારીખ 3 થી 5 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ ભવ્ય ઉત્સવમાં 5 લાખથી વધુ નાગરિકોએ ભાગ લઈ સમુદ્ર કિનારે ઉત્સાહ અને આનંદની અનોખી અનુભૂતિ મેળવી.
સુરત શહેર તથા જિલ્લાના નાગરિકોએ ત્રીજા સુવાળી બીચ ફેસ્ટિવલમાં વિવિધ મનોરંજનાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો પૂરેપૂરો આનંદ માણ્યો. ગયા બે વર્ષોની તુલનામાં આ વર્ષે વધુ આકર્ષક આયોજન કરવામાં આવતા લોકોનો પ્રતિસાદ અભૂતપૂર્વ રહ્યો. સુવાળી બીચ પર દિવસ દરમિયાન રમતો, સાહસિક પ્રવૃત્તિઓ, ફૂડ સ્ટોલ્સ તેમજ સાંજના સમયે સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉત્સવને વિશેષ રંગ આપ્યો.
ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ જણાવ્યું કે સુવાળી બીચ ફેસ્ટિવલને આ વર્ષે લોકોએ જે ઉત્સાહભર્યો પ્રતિસાદ આપ્યો છે તે અગાઉ ક્યારેય જોવા મળ્યો નહોતો. ગયા બે આયોજનની તુલનામાં આ વર્ષે અનેકગણું વધુ માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. આ ફેસ્ટિવલ સુરતવાસીઓ માટે નવા વર્ષની શરૂઆતને આનંદમય અને યાદગાર બનાવવામાં સફળ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ વર્ષના બીચ ફેસ્ટિવલને વધુ સુવિધાસભર અને સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યો હતો. સુરક્ષા, સ્વચ્છતા, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થામાં વિશેષ આયોજન કરવામાં આવતા નાગરિકોને કોઈ અસુવિધા ન અનુભવાઈ. સાથે જ, લોકસાંસ્કૃતિક કાર્યક્રમો, કલા પ્રદર્શનો અને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોએ ઉત્સવની શોભા વધારી.
સુવાળી બીચ ફેસ્ટિવલ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહી, પરંતુ પર્યટન વિકાસ અને સ્થાનિક અર્થતંત્રને પણ નવી ગતિ આપનાર સાબિત થયો. લાખો લોકોની હાજરી સાથે આ ફેસ્ટિવલે સુરતને રાજ્યના મહત્વપૂર્ણ પર્યટન કેન્દ્ર તરીકે વધુ મજબૂત ઓળખ અપાવી છે.





