
ગુજરાત ફરી એક વખત ઉદ્યોગ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગેવાની લેતું રાજ્ય બની રહ્યું છે. ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું તરીકે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ₹3300 કરોડના કેઇન્સ સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આઈ.ટી. મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા હાજર રહ્યા.
આ પ્લાન્ટ સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત માટે માઈલસ્ટોન સાબિત થવાનો છે. OSAT (Outsourced Semiconductor Assembly and Test) સુવિધા તરીકે કાર્યરત આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને મજબૂત બનાવશે અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા વધારશે. ખાસ કરીને અહીં તૈયાર થનારા ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ અમેરિકાની અગ્રણી કંપનીઓ સુધી પહોંચશે અને ત્યારબાદ વિશ્વભરમાં ઉપયોગમાં આવશે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે આજથી એક નવો ટેકનોલોજીકલ સેતુ બંધાયો છે, જે ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવામાં મદદરૂપ થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત પાસે ડિજિટલ અને ટેકનોલોજીની ક્રાંતિમાં દેશને અગ્રણી બનાવવાની સંપૂર્ણ ક્ષમતા છે અને રાજ્ય સરકાર આ દિશામાં સતત પ્રયત્નશીલ છે.
કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પણ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાનશ્રીની દુરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે મહત્વપૂર્ણ ટેક ઓફ કરી છે. આ પ્લાન્ટથી સ્થાનિક રોજગારી વધશે, નવો ઉદ્યોગ વિકાસ પામશે અને ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
સાણંદમાં શરૂ થયેલો આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત માટે નહીં, પરંતુ સમગ્ર ભારત માટે ટેકનોલોજીકલ સ્વાવલંબનની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.





