
છોટાઉદેપુર જિલ્લાને સંપૂર્ણ રીતે ટીબી મુક્ત બનાવવાના ઉમદા હેતુ સાથે જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ ખાતે ‘જિલ્લા ટીબી ફોરમ’ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લામાં ‘ટીબી મુક્ત ગ્રામ પંચાયત’ની સંખ્યા વધે તેમજ ટીબી નોટિફિકેશન અને સારવાર સંબંધિત કામગીરી વધુ સઘન બને તે માટે વિસ્તૃત માર્ગદર્શન અને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
બેઠકની શરૂઆતમાં જિલ્લા ક્ષય અધિકારી ડો. બી.એમ. ચૌહાણે વર્ષ 2025 દરમિયાન જિલ્લામાં ટીબી નાબૂદી માટે હાથ ધરાયેલી કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે ટીબી નોટિફિકેશન, સારવારના આઉટકમ, ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત યોજાયેલી 100 દિવસીય ઝુંબેશ, નિક્ષય પોષણ સહાય યોજના તેમજ નિક્ષય મિત્ર યોજનાની પ્રગતિ અંગે માહિતી આપી હતી. કલેક્ટરશ્રીએ તમામ સૂચકાંકોની ઝીણવટભરી સમીક્ષા કરીને નિર્ધારિત લક્ષ્યાંક મુજબ કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે ગ્રામ્ય સ્તરે જનજાગૃતિ વધારવી, સમયસર તપાસ અને સારવાર સુનિશ્ચિત કરવી તેમજ સમાજના વિવિધ વર્ગોની ભાગીદારી વધારવી એ ટીબી નાબૂદી માટે અત્યંત જરૂરી છે. ખાસ કરીને ગ્રામ પંચાયતોને સક્રિય બનાવી ‘ટીબી મુક્ત ગ્રામ પંચાયત’ જાહેર કરવાની પ્રક્રિયાને વધુ ગતિ આપવા પર તેમણે ભાર મૂક્યો હતો.
આ અવસરે ‘નિક્ષય મિત્ર’ તરીકે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું. ટીબી નાબૂદી અભિયાનમાં નોંધપાત્ર યોગદાન બદલ ‘ચાર ભુજા સેવા ટ્રસ્ટ–છોટાઉદેપુર’ના શ્રી અશોકભાઈ અજમેરા તથા ‘દીપક ફાઉન્ડેશન’ના પ્રતિનિધિ શ્રી હાર્દિક પ્રજાપતિને કલેક્ટરશ્રીના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પાઉલ વસાવા, જિલ્લા આર.સી.એચ.ઓ. ડો. મુકેશ પટેલ, મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડો. કેવલ મોદી, WHOના પ્રતિનિધિ ડો. હાર્દિક નકસીવાલા સહિત વિવિધ તાલુકાના આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જેલ સુપ્રિટેન્ડેન્ટ, જિલ્લા માહિતી અધિકારી, ખાનગી તબીબો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ટીબી ચેમ્પિયન્સ અને સારવાર લઈ રહેલા દર્દીઓની હાજરીથી બેઠક વધુ અસરકારક બની હતી.





