
છોટાઉદેપુર નગરમાં મહિલાઓના સ્વાસ્થ્ય, સશક્તિકરણ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રથમવાર **‘સાડી દોડ’**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી પહેલને જિલ્લાભરમાંથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો અને છોટાઉદેપુરના માર્ગો પર મહિલા શક્તિનો અદભૂત ઉત્સવ જોવા મળ્યો હતો.
આ સાડી દોડનું પ્રસ્થાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલના હસ્તે લીલી ઝંડી આપી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી જશુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દોડ પેટ્રોલ પંપ ચાર રસ્તાથી શરૂ થઈ ઝંડા ચોક સુધી યોજાઈ હતી, જેમાં અંદાજે ૧ કિમીનું અંતર આવરી લેવામાં આવ્યું હતું.
આ દોડમાં સમગ્ર જિલ્લાની મહિલાઓ પરંપરાગત પરિધાન સાડીમાં સજ્જ થઈ ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાઈ હતી. ખાસ વાત એ હતી કે આ દોડમાં યુવતીઓ સાથે સાથે સીનિયર સિટીઝન મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જે મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બન્યું હતું. દોડ દરમિયાન વિવિધ કાર્ટૂન કેરેક્ટરોએ મહિલાઓનું મનોરંજન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવો, રોજિંદા જીવનમાં કસરતનું મહત્વ સમજાવવું તેમજ દરેક ક્ષેત્રમાં મહિલાઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધે તે માટે પ્રેરણા આપવાનો હતો. આ દોડ દ્વારા મહિલાઓની શક્તિ, એકતા અને આત્મનિર્ભરતાનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આગામી **૮ ફેબ્રુઆરીના રોજ યોજાનારી ‘છોટાઉદેપુર મેરેથોન’**માં પણ મહત્તમ સંખ્યામાં જોડાવા માટે જિલ્લાવાસીઓને આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિનકુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધિક્ષકશ્રી ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટરશ્રી મુસ્કાન ડાગર, નિવાસી અધિક કલેક્ટરશ્રી શૈલેષ ગોકલાણી સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
પ્રથમવાર યોજાયેલી સાડી દોડ સંપૂર્ણ સફળ રહી હતી અને સમાજમાં આરોગ્ય જાગૃતિ તથા મહિલા સશક્તિકરણનો સશક્ત સંદેશ આપી ગઈ હતી.





